text: 'કોરોનિલ' નામની આ દવાને હાલમાં અમુક સરકારી મંત્રીઓની હાજરીમાં લૉન્ચ કરવામાં આવી છે. એ વાતના કોઈ નવા પુરાવા નથી કે આ દવા કારગત છે અને તેના ઉપયોગની મંજૂરી વિશે ભ્રામક દાવા રજૂ કરવામાં આવ્યા છે. 'કોરોનિલ' વિશે આપણે શું જાણીએ છીએ? આ દવા પરંપરાગત રીતે ભારતીય દવામાં વપરાતી જડીબુટ્ટીનું મિશ્રણ છે અને ભારતની મોટી કંપની 'પતંજલિ' તેને વેચી રહી છે. દવાને નામ આપવામાં આવ્યું છે, 'કોરોનિલ'. સૌથી પહેલાં આના વિશે ગત વર્ષે જૂનમાં ચર્ચા શરૂ થઈ હતી, જેમાં યોગગુરુ બાબા રામદેવે કોઈ પણ આધાર વગર 'કોવિડ-19ની સારવાર' તરીકે આ દવાને પ્રચારિત કરી હતી. જોકે, ભારત સરકારે કહ્યું હતું કે આને 'ઇમ્યુનિટી બૂસ્ટર' તરીકે વેચવાનું ચાલુ રાખવામાં આવશે. આ વર્ષે 19 ફેબ્રુઆરીએ કંપની દ્વારા એક ઇવેન્ટ યોજાઈ, જેમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન પણ હાજર હતા. આ આયોજનમાં ફરી દાવો કરવામાં આવ્યો કે કોરોનિલ કોવિડ-19થી બચાવે છે અને તેની સારવારમાં મદદ કરે છે. ભારતમાં ડૉક્ટરોની સૌથી મોટી સંસ્થા 'ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને' આ ઇવેન્ટમાં ડૉ. હર્ષવર્ધનની હાજરીની ટીકા કરી છે. સંસ્થાએ કહ્યું કે આરોગ્યમંત્રીની હાજરીમાં એક 'અવૈજ્ઞાનિક દવા'નો પ્રચાર ભારતના લોકોનું અપમાન છે. ઍસોસિયેશને મંત્રીને સ્પષ્ટતા કરવાનું પણ કહ્યું. આયોજનમાં ડૉ હર્ષવર્ધનની હાજરી અંગે પૂછવા માટે અમે સ્વાસ્થ્યમંત્રાલયનો સંપર્ક કર્યો. જોકે, આ લેખ પ્રકાશિત થયો ત્યાં સુધી અમને કોઈ જવાબ નથી મળ્યો. પતંજલિ કંપનીએ મંત્રીની હાજરીનો બચાવ કર્યો અને કહ્યું, "તેમણે ન તો આયુર્વેદ ( ભારતની પરંપરાગત ચિકિત્સા)નું સમર્થન કર્યું, ન આધુનિક સારવાર પદ્ધતિનું." કોરોનિલ વિશે શું દાવો કરવામાં આવે છે? કંપની વારંવાર કહી રહી છે કે તેના દ્વારા નિર્મિત આ દવા કોરોના વાઇરસ સંક્રમણની સામે કામ કરે છે. પતંજલિના પ્રબંધ-નિદેશક આચાર્ય બાલકૃષ્ણે બીબીસીએ કહ્યું, "આ દવાથી લોકોની સારવાર કરવામાં આવી છે." કંપનીએ અમને જણાવ્યું કે આના વૈજ્ઞાનિક ટ્રાયલ થયાં છે જેનાં પરિણામ કેટલીક આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયાં છે. કંપનીએ ખાસ કરીને નવેમ્બર 2020માં સ્વિટ્ઝરલૅન્ડ સ્થિત એમડીપીઆઈ તરફથી પ્રકાશિત એક જર્નલનો ઉલ્લેખ કર્યો જે લૅબ ટ્રાયલ પર આધારિત છે. જોકે આ અધ્યયન માછલી પર કરવામાં આવ્યું હતું અને કોરોનિલ મનુષ્યોમાં કોરોના વાઇરસની સારવાર કરશે કે કેમ એ અંગેના પુરાવા અંગે તેમાં કશું નથી કહેવાયું. એમાં માત્ર એ કહેવાયું છે કે હાલમાં પ્રી-ક્લિનિકલ ટ્રાયલના પરિણામ મુજબ મનુષ્યો પર વિસ્તૃત ટ્રાયલ કરવામાં આવે. બ્રિટનના સાઉથૅમ્પટન વિશ્વવિદ્યાલયમાં 'ગ્લોબલ હૅલ્થ'ના નિષ્ણાત ડૉક્ટર માઇકલ હૅડે બીબીસીને કહ્યું કે લૅબમાં પ્રી-ક્લિનિકલ ટ્રાયલ કરવા અને મનુષ્યો પર કામ કરનાર કોઈ વસ્તુ માટે રૅગ્યુલેટરી મંજૂરી હાંસલ કરવામાં ફેર હોય છે. તેમણે કહ્યું, "કોઈ દવાઓ લૅબમાં કોઈ સારાં પરિણામ આપે છે, પરંતુ જ્યારે મનુષ્યો પર ટ્રાયલ કરવામાં આવે છે તો તે કેટલાક કારણોસર કામ નથી કરતી." કોરોના વાઇરસનો ચેપ ધરાવતા 95 દરદીઓ પર ગત મે અને જૂન મહિનાની વચ્ચે એક ટ્રાયલ કરવામાં આવી. આમાંથી 45ને સારવાર આપવામાં આવી અને 50 ને પ્લેસિબો ( કંઈ નહીં) આપવામાં આવ્યું. પતંજલિ કંપનીએ કહ્યું કે આનાં પરિણામ એક જાણીતી જર્નલ 'સાઇન્સ ડાયરેક્ટ'ના એપ્રિલ 2021ના અંકમાં છપાઈ રહ્યાં છે. કંપનીએ કહ્યું કે પરિણામમાં જાણવા મળ્યું કે જે લોકોને કોરોનિલ આપવામાં આવી, એ લોકો એવા લોકોની સરખામણીમાં જલદી સાજા થઈ રહ્યા હતા જેમને આ દવા નહોતી આપવામાં આવી. જોકે, આ એક નાનું સૅમ્પલ સાઇઝ પર હાથ ધરાયેલું પાયલટ અધ્યયન હતું. એટલે આના પરિણામને નક્કર માનવા મુશ્કેલ છે કારણ કે રિકવરીના દરમાં કેટલાક અન્ય કારણોસર ફેરફારો હોઈ શકે છે. કોરોનિલને કોઈ અધિકૃત મંજૂરી મળી છે? ડિસેમ્બર 2020 માં ઉત્તરાખંડસ્થિત પતંજલિ કંપનીએ રાજ્ય પ્રશાસન પાસેથી કોરોનિલના 'ઇમ્યુનિટી બૂસ્ટર'ના લાઇસન્સને કોવિડ-19ની દવાના રૂપમાં બદલવાનું કહ્યું. આ વર્ષે જાન્યુઆરીમાં પતંજલિ કંપનીએ કહ્યું કે આ ઉત્પાદનને કોવિડની વિરુદ્ધ એક 'સહાયક ઉપાય'ની રીતે મંજૂરી મળી ગઈ છે. રાજ્ય પ્રશાસને બીબીસી સાથે વાતચીતમાં પુષ્ટિ કરી કે તેણે નવું લાઇસેન્સ આપ્યું છે પરંતુ એ સ્પષ્ટ પણ કરવામાં આવી કે આ નવું લાઇસેન્સ 'કોવિડની સારવાર'નું નથી. પરંપરાગત ચિકિત્સાવિભાગ અને રાજ્ય લાઇસન્સિંગ પ્રાધિકરણના નિદેશક ડૉક્ટર વાઈ. એસ. રાવતે બીબીસીને કહ્યું, "અપગ્રેડેડ લાઇસેન્સનો અર્થ છે કે આને ઝિંક, વિટામિન સી, મલ્ટી- વિટામિન અથવા કોઈ અન્ય સપ્નીમેન્ટ મેડિસિનની રીતે વેચી શકાય છે." તેમણે સાથે કહ્યું, "આ (કોરોનિલ) સારવાર નથી." કંપનીએ એ પણ જણાવ્યું કે તેમને ગુડ મૅન્યુફૅક્ચરિંગ પ્રૅક્ટિસ (જીએમપી) પ્રમાણપત્ર મળ્યું છે, જે કહે છે કે "આ વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યૂએચઓ) સર્ટિફિકેશન સ્કીમોના અનુરૂપ છે." એક વરિષ્ઠ એક્ઝિક્યૂટિવ રાકેશ મિત્તલે એક ટ્વીટમાં એ પણ દાવો કર્યો કે કોરોનિલને ડબલ્યૂએચઓ પાસેથી માન્યતા મળી છે પરંતુ પછી તેમણે આ ટ્વીટ હઠાવી દીધું હતું. ભારતના શીર્ષ ડ્રગ રેગ્યુલેટર જ ડબલ્યૂએચઓ પાસેથી માન્યતા પ્રાપ્ત એક સ્કીમ હેઠળ જીએમપી સર્ટિફિકેશન આપે છે અને આ નિર્યાતનો હેતુથી ઉત્પાદનના માપદંડોને સુનિશ્ચિત કરવા માટે આપવામાં આવે છે. ઉત્તરાખંડ રાજ્ય સરકારના ડૉ. રાવતે જણાવ્યું, "જીએમપી પ્રમાણપત્રમાં કરાયેલા દાવાનો દવાની અસરકારકતા સાથે કંઈ સંબંધ નથી, આ મૅન્યુફૅક્ચરિંગ દરમિયાન ગુણવત્તાના માપદંડો જાળવવા માટે હોય છે." વિશ્વ આરોગ્ય સંગઠને બીબીસીને આ વાતની પુષ્ટિ કરી કે "તેમણે કોવિડ-19ની સારવાર માટે કોઈ પણ પરંપરાગત દવાની અસરકારકતાને પ્રમાણિત નથી કરી." સાઉથૅમ્પટન વિશ્વવિદ્યાલયના ડૉક્ટર હૅડ કહે છે, "અત્યારે કોઈ સ્પષ્ટ પ્રમાણ નથી કે આ ઉત્પાદન કોવિડ-19ની સારવાર અથવા બચાવ માટે લાભકારક છે." તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો ભારતમાં જડીબુટ્ટીનું એક વિવાદિત મિશ્રણ ચર્ચામાં છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મિશ્રણ કોરોના વાયરસ સામે અસરકારક છે. | |