text: ડેમોક્રેટ સાંસદો સાથે વાતચીત પહેલાં ટ્રમ્પના એક વરિષ્ઠ સહયોગીએ રિપબ્લિકન સભ્યો સાથે કૉન્ફરન્સ કૉલ પર આ યોજનાની માહિતી આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ પ્રસ્તાવિત બિલ સોમવારે સામે આવશે. જેમાં મેક્સિકો સાથે જોડાયેલી સરહદ પર દીવાલ બનાવવા માટે 25 બિલિયન ડૉલર (લગભગ 16 લાખ કરોડ રૂપિયા)ની માંગ કરવામાં આવશે. ડેમોક્રેટ નેતા ચક શુમરે આ સપ્તાહે જ દીવાલ અંગેના ફંડિગનો વિરોધ કરવાની વાત કહી હતી. શું છે યોજના અમેરિકન મીડિયાના અહેવાલો પ્રમાણે વ્હાઇટ હાઉસના પૉલિસી ચીફ સ્ટીફન મિલરની રિપબ્લિકન સભ્યો સાથે ગુરુવારે થયેલા કૉન્ફરન્સ કૉલમાં આ યોજનાની માહિતી સામે આવી હતી. જેમાં 18 લાખ લોકો માટે 10-12 વર્ષમાં નાગરિકતાની વાત કહેવામાં આવી છે. જેમાં લગભગ સાત લાખ 'ડ્રીમર્સ' પણ સામેલ છે. ડ્રીમર્સ તેમને કહેવામાં આવે છે જે બાળપણમાં ગેરકાયદે અમેરિકા આવ્યા હતા અને ઓબામાના સમયમાં તેમને 'ડેફર્ડ એક્શન ફૉર ચાઇલ્ડહુડ અરાઇવલ્સ' (ડાકા) કાર્યક્રમની અંતર્ગત પ્રત્યાર્પણથી સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. બીજા 11 લાખ એવા અપ્રવાસી છે જેમણે ડાકા માટે અરજી કરી ન હતી પરંતુ તેઓ એ માટે યોગ્ય છે. ડાકા કેમ મહત્ત્વપૂર્ણ છે? ટ્રમ્પે ઓબામાના સમયના આ કાર્યક્રમને ગત સપ્ટેમ્બર મહિનામાં રદ્દ કરી દીધો હતો અને કોંગ્રેસને નવી યોજના બનાવવા માટે માર્ચ સુધીની ડેડલાઇન આપી હતી. અપ્રવાસી મામલે સમજૂતી ન કરી થતાં સંઘીય સરકારને ગત સપ્તાહે આંશિક બંધીનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિએ બુધવારે આશા રાખી હતી કે ડ્રીમર્સ તરીકે ઓળખાતા લોકોને ધ્યાનમાં રાખીને અપ્રવાસન પર કોઈ સમજૂતી થઈ શકે છે. માર્ક ટ્વેઇને કહ્યું હતું કે જો તમને ન્યૂ ઇંગ્લેન્ડની મોસમ ના ગમે તો બસ પાંચ મિનિટ રાહ જુઓ. આ જ વાત અપ્રવાસી મામલે ડોનાલ્ડ ટ્રમ્પનાં વલણ પર પણ કહેવામાં આવી રહી છે. એક દિવસ તેઓ કોઈ સમજૂતીને સ્વીકાર કરી લેશે. પછી તે એ વાત પર ભાર આપશે કે કોઈ પણ સમજૂતીમાં દીવાલના ફંડિગની વાત થાય. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો વ્હાઇટ હાઉસે એક નવી યોજના બનાવી છે જે અંતર્ગત મેક્સિકોની સરહદ પર દીવાલ બનાવવાના ફંડના બદલામાં 18 લાખ લોકોને અમેરિકાની નાગરિકતા આપવાનો પ્રસ્તાવ રાખવામાં આવશે.